આની ગણના સોળમા અધ્યાયમાં દૈવે સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્લોક બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઈએ તેથી, એ વિવાદમાં હું ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.‘ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહીં. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.
અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબ- પરિવાર વિશેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય, આબરૂનો ભય, કોઈને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એકમાત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે છતાં નાના પ્રકારનાં દુઃખોથી નાસે છે. કોઈ પોતે મરવા તૈયાર હોય છે, પણ સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઈ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતાં હેબતાઈ જશે. કોઈ પોતે માનેલી આબરૂ, પ્રતિષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદાના ભયથી કોઈ સીધો માર્ગ જાણતાં છતાં લેતાં અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્ચન્દ્રની જેમ પાયમાલ થવાની તેમનામાં તૈયારી હોવી જોઈએ. હરિશ્ચન્દ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થી માત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઈ ઐતિહાસિક કથા કરતાં અનંતગણી વધારે છે, ને આપણે સહુને સંઘરવા, મનન કરવા યોગ્ય છે.
અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી, અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરંભમાં જ કહ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામ-ક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઈએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભયમાત્ર આપણી કલ્પનાની સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારા‘ પણું કાઢી નાખીએ એટલે. ભય ક્યાં છે ? તેન ત્યક્તેન ભુજ્જીથા: એ રામબાણ વચન છે. કુટુંબ, પૈસો, દેહ જેવાં ને તેવાં રહે. તેમને વિશેની આપણી કલ્પના બદલવી રહી. એ ‘આપણાં‘ નથી, એ ‘મારા‘ નથી; એ ઈશ્વરનાં છે; ‘હું‘ પણ તેનો છું, ‘મારું‘ એવું આ જગતમાં કંઈ જ નથી. પછી મને ભય શાને વિશે હોઈ શકે ? તેથી ઉપનિષદકારે કહ્યું, ‘તેનો ત્યાગ કરીને તે ભોગવ.‘ એટલે આપણે તેના રખેવાળ રહીએ, તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.
'મંગળ પ્રભાત'માંથી સાભાર