
આ વ્રત પણ અસ્વાદવ્રતની જેમ નવું છે અને કંઈક વિચિત્ર પણ લાગે. જેટલું વિચિત્ર છે તેના કરતાં વધારે આવશ્યક છે. અસ્પૃશ્યતા એટલે આભડછેટ; અને અખા ભગતે ઠીક ગાયું છે કે, ‘આભડછેટ અદકેરું અંગ‘. એ જ્યાંત્યાં ધર્મમાં ધર્મને નામે કે બહાને વિધ્ન નાખ્યા જ કરે છે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી. જે રીતે ઢેડભંગને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ અસ્પૃશ્ય નથી, તે રીતે મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી અથવા હજામત કરી-કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની ર્દષ્ટિએ. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી-ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધુએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય, પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડાવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે ગીતાપાઠ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે આચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છીએ કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં પણ એ હિંદુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઈ નહીં તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઈબહેનને અપનાવે. તેનો હેતે, સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, ‘અસ્પૃશ્ય‘નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે. આ ર્દષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામ રહ્યાં છે તેમને વ્રતધારી તુચ્છ ગણાશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતા-નિવારણને વ્રતરૂપે આચનાર ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારીને સારુ એક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમ અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિશે જ દાખલ થઈ ગયો છે એમ નથી. સડાનો સ્વભાવ છે કે પ્રથમ રાઈના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે; તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે, અન્ય સંપ્રદાયો પ્રત્યે આવી છે, એક જ સંપ્રદાયની વચ્ચે પણ પેસી ગઈ છે, તે એટલે સુધી કે કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાં પાળતાં પૃથ્વી ઉપર ભારરૂપ થઈ પડ્યા છે. પોતાનું જ સંભાળતાં, પોતાને પંપાળતાં, નહતાંધોતાં, ખાતાંપીતાં નવરા જ થતા નથી. ઇશ્વરને નામે ઈશ્વરને ભૂલી પોતાને પૂજતા થઈ ગયા છે. એટલે અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહીં માને; તે જીવ માત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું. આમ જોતાં અસ્પૃશ્યતાનિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતાનિવારણ. આમ અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડાઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિંદુ ધર્મના સડારૂપે વિચાર્યો છે, કેમ કે તેણે હિન્દુ ધર્મમાં ધર્મનું સ્થાન જડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામના જેવી કરી મૂકી છે.
'મંગળ પ્રભાત'માંથી સાભાર