બધા જાણે છે કે, અંગ્રેજોને હાંકી કાઢવા માટે ગાંધીજીએ અહિંસાની લડત ચલાવી હતી.
પણબહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે, રાજકોટના મિલ કામદારોને ન્યાય મળે અને
સ્વતંત્રતા ચળવળને વેગ મળે તે હેતુથી ગાંધીજી અમદાવાદથી રાજકોટ આવ્યા હતા અને રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ પર ઉતર્યા હતા. રાજકોટમાં જ ગાંધીજીએ ‘ગાંધીગીરી‘ કરીસ્વતંત્રતા ચળવળને જોમવંતો વેગ આપ્યો હતો.
વાત ૧૯૩૦-૪૦ના દાયકાની છે, એ સમયે દાંડીકૂચની લડતથી ગાંધીજી છવાઈ ગયા હતા આ અહિંસક લડતમાં સમાજનો તમામ વર્ગ જોડાતો જતો હતો. એમાં રાજકોટ પાછળ રહી જાય એ કેમ ચાલે ? આ માટે ૧૯૩૩માં ગાંધીવાદીઓએ સેવા સંઘ નામની સંસ્થા રાજકોટમાં શરૂ કરી જેમાં ઉછરંગરાય ઢેબર પણ જોડાયા. પછી થયું એવું કે, રાજકોટની એક કાપડ મિલ હતી જેમાં કામદાર અને બાળ મજૂરોનું શોષણ થતું.
ઢેબરભાઈએ આ માટે મોટાપાયે લડત ઉપાડી એ સમયે રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહજી હતા અને દિવાન હતા, વીરાવાળા. આ વીરવાળાને ઢેબરભાઈની લડત ખટકી. વીરાવાળા પહેલેથી જ અંગ્રેજોને સાથ આપતા હતા. તેમણે ઢેબરભાઈની લડતને શાંત પાડવા અને વેર વાળવા ૧૪ કામદારોને મિલમાંથી છૂટા કરી હદપાર કર્યા. એ ઉપરાંત પણ કેટલાંક કરવેરા અને પ્રજાહિત વિરુદ્ધના કાયદા-કાનૂનો એ જોર પકડ્યું આ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારા લોકોએ સાંગણવા ચોકમાં સભાઓ કરી, સત્યાગ્રહ કર્યા,? હડતાલો પાડી.
હવે કરવું શું ? ઢેબરભાઈ, બળવંતભાઈ મહેતા, વજુભાઈ શાહ અને ફૂલચંદભાઈ સહિતના આગેવાનોએ ગાંધીજી અને સરદાર પટેલની આ બાબતે સલાહ માગી. ગાંધીજીની સલાહ મુજબ રાજકોટમાં કાઠિયાવાડ રાજકિય પરિષદનું પ્રથમ અધિવેશન મળ્યું. રાજકોટના મહારાજા ધર્મેન્દ્રસિંહજીના દિવાન વિરાવાળાને આ વાત જરાય ન ગમી એટલે તેણે રેસિડેન્ટ એજન્ટ ગીબ્સને સાથે રાખી ધરપકડનો દોર શરૂ કરાવ્યો. આ વાત ગાંધીજી સુધી પહોંચી, ગાંધીજી કસ્તુરબા સાથે રાજકોટ આવ્યા અને રાષ્ટ્રીય શાળાના ખંડમાં ઉપવાસ પર ઉતર્યા. જો કે, એ પછી વાતાવરણ શાંત થતા ગાંધીજીએ ઉપવાસ પૂરા કર્યા અને રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડમાં જ? આવેલા એક લીમડા નીચે બેસી પ્રવચન આપ્યું. જેમાં તેમણે સ્વતંત્રતા ચળવળને વેગ આપવાની વાત કરી અને આ સ્વતંત્રતા ચળવળમાં રાજકોટ શું કરી શકે, તેની માર્ગદર્શક રેખા પણ આપી..... બસ, ત્યારથી શરૂ થયા રાજકોટમાં સ્વતંત્રતા ચળવળનાં મંડાણ. રાજકોટવાસીઓને આ ઐતિહાસિક ઘટનાનું ગૌરવ છે.