ઈ.સ. ૧૯૦૪ના એપ્રિલ માસમાં ગાંધીજીની મુલાકાત હેન્ની પૉલાક નામના એક અંગ્રેજ યહૂદી સાથે થઈ. પોલાક અને ગાંધીજીની વિચારસરણી એક સમાન હતી તેથી બંને જણા ગાઢ મિત્રો બની ગયા. પોલાક પાસેથી ગાંધીજીને ‘રિટર્ન ટુ નેચર‘ અને જૉન રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ‘ પુસ્તકો વાંચવા મળ્યા. તેમને સમજાયું કે સાદું ને શ્રમમય જીવન જ સાચું જીવન છે. આ પછી શ્રમપ્રધાન જીવન જીવી શકાય એ માટે ડરબનથી ૨૦ કિ. મી. દૂર ફિનિક્સ નામે ઓળખાતા શેરડીના ખેતરની જમીન ખરીદી અને ત્યાં ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડતનો પ્રચાર થાય એટલા માટે ૧૯૦૩માં ગાંધીજીની સલાહથી એક ગુજરાતીએ ‘ઈન્ડિયન ઓપિનિયન‘ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. આ અખબારનો પ્રેસ ગાંધીજી ફિનિક્સ લઈ આવ્યા.
‘સત્યાગ્રહ‘શબ્દની શોધ
નાતાલના મૂળ હબસી વતનીઓ ઝૂલુ તરીકે ઓળખાતા હતા. નાતાલ સારકારે ઝૂલુઓ પર માથાવેરા રૂપે કર નાખ્યો હતો. તેના વિરોધમાં ઝૂલુઓએ બળવો કર્યો. ગાંધીજીએ ઝૂલુઓનો પક્ષ લીધો. ગાંધીજીની આગેવાની હેઠળ હિંદીઓની ટુકડી ધવાયેલા ઝૂલુઓની સારવાર કરતી હતી. ઘવાયેલાં ઝૂલુઓની સેવા કરતા ગાંધીજીના હ્રદયમાં કરુણા ઉભરાઈ આવી ને તેમણે ફિનિક્સ પહોંચી આજીવન બ્રહ્મચર્યનું વર્ત લીધું. ૧૯૦૭માં ટ્રાન્સવાલની? નવી ચૂંટાયેલી ધારાસભાએ ટ્રાન્સવાલમાં રહેતા દરેક હિંદી માટે ઓળખપત્ર રાખવાનો કાયદો કર્યો. આ કાયદામાં કેટલીક અપમાનજનક કલમો હતી તેથી હિંદીઓએ એ કાયદાનો વિરોધ કર્યો. આ કાયદા સામે હિંદીઓએ લડત શરૂ કરી. પ્રારંભમાં એ લડત ‘પેસિવ રિઝિસ્ટન્સ‘ના નામે ઓળખાતી હતી. ગાંધીજીએ તેના ગુજરાતી પર્યાય માટે ‘ઈન્ડિયન ઓપિનિયન‘ માં જાહેરાત આપી. તેના પ્રત્યુત્તરમાં મગનલાલ ગાંધીએ ‘સદાગ્રહ‘ શબ્દ સૂચવ્યો. ગાંધીજીએ તેમાં થોડો ફેરફાર કરી ‘સત્યાગ્રહ‘ શબ્દ પસંદ કર્યો. આ પછી ગાંધીજીની આગેવાની નીચેની લડત પણ સત્યાગ્રહ તરીકે પ્રસિદ્ધિ પામી.
ટૉલ્સટૉય ફાર્મ
ગાંધીજીના જીવન ઉપર ટૉલ્સટૉયના જીવનનો બહુ મોટો પ્રભાવ હતો. ગાંધીજી અને ટૉલ્સટૉય વચ્ચે ૧લી ઑક્ટોબર, ૧૯૦૯થી પત્રવ્યવહાર શરૂ થયો હતો. જે ટૉલ્સટૉયનું નવેમ્બર, ૧૯૧૦માં અવસાન થયું ત્યાં સુધી ચાલ્યો હતો. ગાંધીજીના મિત્ર કેલનબેકે ગાંધીજીને વિશાળ જમીન ભેટ આપી હતી. જૂન, ૧૯૧૦માં ગાંધીજીએ એ જમીન ઉપર સાદા અને શ્રમપ્રધાન જીવનને વરેલ આશ્રમની સ્થાપના કરી. જેનું નામ ટૉલ્સટૉય ફાર્મ રાખવામાં આવ્યું. ગાંધીજીએ ગાય-ભેંસનું દૂધ છોડી માત્ર લીલાંસૂકાં ફળો ઉપર રહેવાનો પ્રયોગ શરૂ કર્યો. ગાંધીજી ટૉલ્સટૉય ફાર્મ પર રહેતા હતા ત્યારે તેમના પુત્ર હરિલાલને કેટલાંક કારણોસર ગાંધીજી સાથે મતભેદ સર્જાયા હતા આથી તેઓ નારાજ થઈને જતા રહ્યા હતા. ૧૯મી જાન્યુઆરી, ૧૯૧૩ સુધી ગાંધીજી ટૉલ્સટૉય ફાર્મ પર રહ્યા પછી એ આશ્રમ બંધ કરી બધાની સાથે નાતાલ ફિનિક્સ આશ્રમમાં ગયા.