તાતા ઉદ્યોગ-સમુહના તેજસ્વી તારક જેહાંગીર રતનજી દાદાભાઈ તાતાનો જન્મ તા. ૨૯-૭-૧૯૦૪ના રોજ થયો હતો. એમનું શિક્ષણ ભારત, જાપાન અને ફ્રાન્સમાં થયું. અઢાર વર્ષની વયથી જ તેમણે તાતા પેઢીમાં કામગીરી શરૂ કરી. પિતાના મૃત્યુ બાદ તે ડાયરેકટર બન્યા. પ્રત્યેક બાબતની ઊંડી સૂઝ-સમજ તેમજ હાથ પર લીધેલા કાર્યો પૂરતી કાળજીથી નિપટાવવાની તમન્નાને કારણે તેમણે વિશાળ ઉદ્યોગગૃહનું સફળ સંચાલન કર્યું અને વિકસાવ્યું. ભારતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિમાનવ્યવહાર શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. હિંદના પહેલા વિમાની તરીકે પણ તેમણે નામના મેળવી હતી. દેશમાં હવાઈ ટપાલ શરૂ કરવાનું માન પણ તાતાને જાય છે. તેમની સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમને ભારતના હવાઈ સૈન્યમાં ‘એર કોમોડોર’ નો માનાર્હ હોદ્દો આપવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ તરીકે તેમનું વિશ્વભરમાંથી બહુમાન કરવામાં આવ્યું હતું. ફ્રાન્સની સરકારે ‘લીજિયો ઓફ ઓનર’ અને ભારત સરકારે ‘પદ્મ વિભૂષણ’ તેમજ ‘ભારતરત્ન’ થી નવાજ્યા હતા. કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ, ગાંધી સ્મારક નિધિ, ફેમિલી પ્લાનીંગ ફાઉન્ડેશન બોર્ડ જેવી અનેક સંસ્થાઓમાં જવાબદારી પૂર્ણ સ્થાનો પર રહી સેવા આપી હતી. દોઢ લાખથી વધુ માણસોને રોજી આપતા પચીસથી વધુ તાતાના વિવિધ ઉદ્યોગોમાં જે.આર.ડી. તાતા પોતાની જાતને ટ્રસ્ટ તરીકે જ માનતા. ઈ.સ. ૧૯૯૩માં તેમણે આ ફાની દુનિયાને આખરી સલામ ભરી.