પરિચય :
લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. આમલી અને લીંબુની તુલના આ રીતે કરવામાં આવી છે : આમલીમાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ,
લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ,
આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે.
મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
ગુણધર્મ :
લીંબુ ખાટું, ઉષ્ણ, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્મ અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્તી જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.
(૧) લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
(૨) એક ગ્લાસ નવશેકા પાણીમાં અર્ધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.
(૩) લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
(૪) એક ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.
(૫) એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.
(૬) એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
(૭) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
(૮) લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
(૯) એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
(૧૦) એક ગ્લાસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
(૧૧) દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
(૧૨) લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
(૧૩) લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
(૧૪) લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
(૧૫) ચેહરાની કાંતિ વધારવા માટે : લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
(૧૬) મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્લાસ સામાન્ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.