પ્રાર્થના
પ્રાર્થના એટલે ઈશ્વરની પાસે સંસારી સુખ કે બીજી સ્વાર્થ સાધવાની વસ્તુઓ માગવી એ નથી. પ્રાર્થના કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે. વ્યક્તિ અથવા તો પ્રજા જ્યારા મોટા સંકટથી પીડાય છે ત્યારે તે પીડાનું શુદ્ધ જ્ઞાન એ જ પ્રાર્થના. સાચી પ્રાર્થનાનો જવાબ કદી મળ્યા વિના રહેતો નથી.
સત્ય
મારે મન સત્ય જ સર્વોપરી છે. અને એમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. સત્ય એ જ પરમેશ્વર છે. અથવા પરમેશ્વર જ સત્ય છે. સત્ય સ્વયં-પ્રકાશિત છે ને સ્વયંસિદ્ધ છે. સત્યનું આચરણ એ જ આપણી મુક્તિનું દ્વાર છે. જેનમાં સત્ય અને સેવા પૂર્ણપણે પ્રગટ થાય તે જગતના હ્રદયનું સામ્રાજ્ય જરૂર ભોગવે ને ધારેલાં કાર્ય પાર પાડે. સત્યનો જય છે એવું ઈશ્વરવચન છે. તેને અપવાદ નથી.
અહિંસા
અહિંસાનો, શાંતિનો અર્થ નામર્દી નથી, તેનો અર્થ શુદ્ધ મર્દાનગી છે. તલવારનો ત્યાગ કહો, દયાધર્મ કહો, શાંતિ કહો, અમન કહો કે અહિંસા- એ બધાનો અર્થ એક જ છે. અહિંસાનો, અમનનો અર્થ પરાધીનતા- દુર્બળતા નથી. શોર્ય ત્યાં જ ક્ષમા હોઈ શકે. જે-જે અર્થ શસ્ત્રબળથી સધાય છે તે બધા અહિંસા-બળમાં આવી જ જાય છે. શસ્ત્ર વાપરનાર પણ બળવાનની સામે ઝૂઝે ત્યારે જ શૂરા કહેવાય. અહિંસાવાદી તો વગર શસ્ત્રે ઝૂઝે એટલે તેના બળની તો હદ જ ન રહી.
અહિંસા ધર્મનો પંથ
*‘પ્રેમપંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જાને‘
અહિંસા ધર્મનો પંથ એ પ્રેમપંથ છે. તે પંથે માણસને ઘણીએકાકી વિચારવું પડે.
*માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે છે, હિમાલયના શિખર ઉપર નહીં.
*જે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી તે ઘર સ્મશાન કરતાંય ભયંકર છે.
*જગત આપણાથી જુદું નથી, આપણે જગતથી જુદા નથી. બધાંનાં એક બીજાનાં કામની અસર એક બીજા પર પડે છે. અહીં વિચાર પણ કામ છે. અર્થાત્ એક પણ વિચાર વ્યર્થ નથી જતો. તેથી હંમેશાં સારા વિચાર જ કરવા જોઈએ.
*ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ છીએ. લાખો-કરોડો હિંદીઓને ઉછેરનારી એ માતા છે. ગાયની રક્ષા તે ઈશ્વરની આખી મૂક સૃષ્ટિની રક્ષા છે.
– મહાત્મા ગાંધીજી