-
રાણી કૈકેયીને મંથરા નામની એક દાસી હતી. કૈકેયીની ઘણી માનીતી હતી. રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને એ કૈકેયીના મહેલમાં દોડી જઈને તેને કહેવા લાગી, "મહારાણી ! આવતી કાલે રામનો યુવરાજ તરીકે અભિષેક કરવાના છે."
કૈકેયીએ કહ્યું, "અરે મંથરા, એ તો ખૂબ આનંદની વાત છે. "
મંથરા બોલી, "રાણીબા, રામ રાજા થશે પછી શું તે તમારા પુત્ર ભરતને શાંતિથી જીવવા દેશે ? રામ રાજા બનતાં કૌશલ્યા રાજમાતા થશે. તમે અને ભરત તો તેમનાં દાસ બની રહેશો "
કૈકેયીને ચિંતા થઈ. મંથરાએ કહ્યું, " ઇન્દ્ર અને શંબરાસુરના યુદ્ધ વખતે રાજાના પ્રાણ બચાવ્યા હતા. રાજાએ તમારા પર ખુશ થઈને તમને બે વરદાન માગવાનું કહ્યું હતું. તમે એમની પાસે તમારાં બે વરદાનની માગણી કરજો. એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક અને બીજા વરદાનમાં રામને માટે ચૌદ વર્ષનો વનવાસ માગી લેજો. "
કૈકેયી મંથરાની સલાહ મુજબ રિસાઇને કોપભવનમાં બેસી ગયા. દશરથ રાજા તરત એને મનાવવા એના મહેલમાં દોડી આવ્યા. એમણે કૈકેયીને કહ્યું, "હે રાણી ! તમે રીસ છોડી દો. તમે જેમ કહેશો તેમ જ કરવામાં આવશે."
રાજાએ રામના સોગંદ લઈ વચન આપ્યું તેથી કૈકેયીએ તરત જ એમને પોતાનાં બે વરદાનની વાત કરી. રામના વનવાસની વાત સાંભળતાં જ રાજા પર જાણે કે વજ્રપાત થયો ! થોડી વાર સુધી તો રાજા કંઈ બોલી જ શક્યા નહીં. પછી એમણે કૈકેયીને સમજાવી, "તમે કહો છો માટે ભરતનો રાજ્યાભિષેક કરવા તૈયાર છું. પણ તમે રામને વનમાં મોકલવાની વાત છોડી દો એને વગર વાંકે આવી કઠોર શિક્ષા ન કરો. રામ વિના તો હું એક ક્ષણ માટે પણ જીવી શકીશ નહીં."
કૈકેયી ના પર દશરથની વિનંતીની કશી અસર થઈ નહીં. એણે રાજાને કડવાશથી કહ્યું, "વચન આપીને ફરી જવું એ રઘુકુલના રાજાને શોભતું નથી. સત્યથી વિમુખ થઈ આપ જગતને શું મોં બતાવશો ? આપ આ પાપનો ભાર ઉપાડી જીવી શકશો ?"
અમંગળ ભાવિની આશંકાઓથી રાજા આઘાત પામ્યા અને તરત જ બેભાન થઈને ઢળી પડ્યા. રાજાને મળવા માટે મંત્રી સુમંત્ર કૈકેયીના મહેલમાં આવ્યા. રાજાની અસહાય સ્થિતિ જોઈને કૈકેયીને એ બાબતની પૂછપરછ કરી. કૈકેયીએ સુમંત્રને કહ્યું, "મને કંઈ ખબર નથી પણ તમે રામને અહીં બોલાવો. રાજા એમના એ પ્રિય પુત્રને પોતાના મનની વાત કહેશે."
સુમંત્ર રામને બોલાવવા માટે ગયા. રામ અને લક્ષ્મણ દશરથની પાસે દોડી આવ્યા. દશરથે રામને કંઈક કહેવા પ્રયત્ન કર્યો પણ એ કશું બોલી શક્યા નહીં. એ પાછા બેભાન થઈ ગયા. એટલે કૈકેયીએ રામને પોતાના બે વરદાનની વાત કરી. રામ તરત આખી વાત સમજી ગયા. તેમણે કૈકેયીને કહ્યું, "મારા પિતાનું વચન પાળવા માટે હું હમણાં જ વનમાં જઈ રહ્યો છું. તમે ભરતને બોલાવી ખુશીથી તેનો રાજ્યાભિષેક કરાવો."
રામે માતા કૌશલ્યા પાસે જઈ કૈકેયીના મહેલમાં બનેલી બધી વાત કરી. કૌશલ્યાને ભારે આઘાત લાગ્યો. કૌશલ્યા માતાને દુઃખથી વ્યાકુળ થયેલાં જોઈ લક્ષ્મણ ગુસ્સે થઈ ગયો. રામે તેને શાંત પાડીને કહ્યું, "વિધિના લેખ મિથ્યા ન થાય. આ પણ વિધિની કરામત છે. તું મારે વનમાં જવાની વ્યવસ્થા કર."
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2010 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com