-
૩. મહર્ષિ વિશ્વામિત્રનું આગમન
રાજકુમારો યુવાન થયા ત્યારે એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યા પધર્યા. રાજાએ મહર્ષિ વિશ્વામિત્રનું આદરપૂર્વક સ્વાગત કર્યું. રાજાએ હાથ જોડીને એમને પૂછ્યું, "હે મહાન તપસ્વી ! આપના આગમનથી અયોધ્યાનગરી ધન્ય થઈ છે. આજ્ઞા કરો, હું આપની શી સેવા કરી શકું?"
વિશ્વામિત્રએ કહ્યું, "રઘુવંશી રાજા ! હું એક યજ્ઞ કરી રહ્યો છું. રાક્ષસરાજ રાવણના બે અનુયાયીઓ મારીચ અને સુબાહુ મારા યજ્ઞમાં વિધ્ન નાખે છે. તેથી મારો યજ્ઞ અધૂરો રહી જાય છે. હું પોતે શાપ વડે રાક્ષસોનો નાશ કરી શકું. પણ યજ્ઞ શરૂ કર્યા પછી મારાથી શાપનો ઉપયોગ ન કરી શકાય એવો આ યજ્ઞનો નિયમ છે. એટલે હું તમારા પુત્ર રામને મારા યજ્ઞની રક્ષા કરવા માટે મારી સાથે લઈ જવા આવ્યો છું. તમે રામને મારી સાથે મોકલી આપો. તેની મદદથી હું મારો યજ્ઞ પૂરો કરી"
મહર્ષિ વિશ્વામિત્રની આવી માગણી સાંભળીને રાજા ભયભીત થઈ ગયા. એમણે વિશ્વામિત્રને વિનંતી કરી, "હે મહર્ષિ ! દેવ, દાનવ અને ગંધર્વ પણ રાક્ષસરાજ રાવણનો સામનો કરી શકે તેમ નથી. રામ તો હજુ સત્તર વર્ષના બાળક છે. હું યજ્ઞની રક્ષા કરવા આપની સાથે આવીશ. તેથી આપ તેને સાથે લઈ જવાનું માંડી વાળો. "
દશરથની વાત સાંભળી વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા. એમણે દશરથને કહ્યું, "હે રાજા ! તમે રામને મારી સાથે ન મોકલવાના હો, તો મને એ સ્પષ્ટ જણાવી દો. એટલું યાદ રાખજો કે એનાથી ત્રણે લોકમાં તમારી અને તમારા કુળની? ભારે અપકીર્તિ થશે."
મહર્ષિ વસિષ્ઠે દશરથને સમજાવતાં જણાવ્યું, "હે રાજા, તમે ચિંતા કર્યા વિના રામને મહર્ષિ વિશ્વામિત્રની સાથે મોકલી આપો. તેની સાથે લક્ષ્મણને પણ મોકલો. વિશ્વામિત્ર જ્ઞાન, શક્તિ અને સામાર્થ્યમાં ત્રણે લોકમાં અજોડ છે. એ ત્રિકાલદર્શી છે. એ તમારા પુત્રોનું ભલું કરવા માટે જ એમને લઈ જઈ રહ્યા છે. માટે તમે ભય રાખ્યા વિના તેમની સાથે રામ અને લક્ષ્મણને મોકલી આપો. "
મહર્ષિ વસિષ્ઠનું સાંત્વન મળતાં રાજાનો ભય દૂર થઈ ગયો. તેમણે પ્રસન્નતાથી રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે વિદાય કર્યા.
સરયૂના કિનારે ચાલતાં ચાલતાં અયોધ્યાથી દૂર ગયા પછી વિશ્વામિત્રએ રામ-લક્ષ્મણને ‘બલા‘ અને ‘અતિબલા‘ નામની વિદ્યા આપી. એના પ્રભાવથી તેમનામાં અદ્દભુત આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. હવે તેઓ શ્રમ અને અણધારી આપત્તિઓથી સુરક્ષિત થઈ ગયા હતા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2010 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com