-
રામ અને લક્ષ્મણ ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા હતા, તે જ વખતે સીતાજી પોતાની સખીઓ સાથે ફૂલવાડીમાં આવ્યા. એક સખીએ એની પાસે આવીને કહ્યું, "બે સુંદર રાજકુમારો આપણી ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા છે."
બીજી સખીએ કહ્યું, "એ બંને અયોધ્યાના રાજકુમારો હશે. તે મહર્ષિ વિશ્વામિત્રની સાથે આવ્યા છે."
સીતાજી ધીમે પગલે રામ અને લક્ષ્મણની પાછળ જઈને તેમને ધારી ધારીને જોવા લાગ્યા. રામ-સીતાજીની નજર એક થઈ ગઈ. તે બંને એકમેકને જોવામાં લીન થઈ ગયાં !
ત્યાર પછી રામ અને લક્ષ્મણ ત્યાંથી ચાલ્યા ગયા. સીતાજી પોતાના મહેલમાં પાછાં ફર્યા.
સીતા સ્વયંવર યજ્ઞશાળામાં યોજવામાં આવ્યો હતો. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને પોતાની સાથે લઈને યજ્ઞશાળામાં આવ્યા.
સીતાજીનું યજ્ઞશાળામાં આગમન થયું. જનક રાજાની સૂચનાથી તેમના મહામંત્રીએ સભાજનોને ઉદ્દેશીને કહ્યું, "રાજકુમારી સીતાજીના સ્વયંવર પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
અહીં ભગવાન શિવનુ; એક પૌરાણિક ધનુષ્ય મૂકવામાં આવ્યું છે.
મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પુરુષ આ સુભાન ધનુષ્યને ઊંચકીને તેની પણછ ચડાવી શકશે, એની સાથે રાજકુંવરી સીતાજીનું લગ્ન કરવામાં આવશે."
જનક રાજાની પ્રતિજ્ઞા સાંભળીને એક પછી એક રાજા ઊઠી ઊઠીને ધનુષ્ય પાસે જવા લાગ્યા. એ સૌએ ધનુષ્યને ઊંચકવા ભારે મહેનત કરી પણ ધનુષ્ય પોતાની જગ્યાએથી સહેજ પણ ખસ્યુંયે નહીં. મહારાજ જનક નિરાશ થયા. તેમણે સભાજનોને કહ્યું, "જો મને પહેલેથી જ એ વાતની ખબર હોત કે આ પૃથ્વી પર સુનાભ ધનુષ્યને ઊંચકી શકે એવો એક પણ વીર બચ્યો નથી, તો મેં આવી આકરી પ્રતિજ્ઞા જ ન કરી હોત !"
જનક રાજાની આવી વાણી સાંભળી લક્ષ્મણ ઉશ્કેરાઈ ગયો. એણે રામને કહ્યું, "મોટા ભાઈ, આપની હાજરીમાં જનક રાજાએ આ પ્રમાણે બોલવાની હિંમત કેવી રીતે કરી ? "
રામ લક્ષ્મણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એવામાં મહર્ષિ વિશ્વામિત્રે રામને સુનાભ ધનુષ્યને ઊંચકવાનો સંકેત કર્યો.
વિશ્વામિત્રનો સંકેત મળતાં રામ ઊભા થઈને ધનુષ્યની પાસે ગયા. એ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકોની ર્દષ્ટિ રામની હિલચાલ પર સ્થિર થઈ ગઈ હતી. રામે સરળતાથી એ ધનુષ્ય હાથમાં ઉઠાવી લીધું. તેમણે એની પણછ ચડાવીને ધનુષ્ય-ટંકાર કરવા માટે પણછ ખેંચી કે તરત જ ધનુષ્ય વચ્ચેથી તૂટી ગયું. વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો અને એ અવાજથી ધરતી ધ્રૂજી ઊઠી. તમામ લોકો ધનુષ્ય તૂટવાનો પ્રચંડ અવાજ સાંભળીને ડરી ગયા.
સીતાજીએ રામની પાસે જઈને તેમના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
રામનું પરાક્રમ જોઈ જનક રાજા આનંદવિભોર થઈ ગયા. જનક રાજાએ વિશ્વામિત્રને કહ્યું, "મુનિવર ! આજે આપની કૃપાથી મને મારી પુત્રી માટે યોગ્ય વર મળી ગયો છે. હવે આપ મને આજ્ઞા આપો તો હું મહારાજ દશરથને અહીં પધારવાનો સંદેશો મોકલી આપું."
વિશ્વામિત્ર હસતાં હસતાં બોલ્યા, "હવે મને પૂછવાની જરૂર જ ક્યાં છે ? શુભસ્ય શીઘ્રમ્."
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2010 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com